Accidents : મરણચીસોથી હાઈવે ઘ્રુજી ઉઠ્યો : બે ભયાનક અકસ્માતમાં 7 લોકોના મોત, એક જ પરિવારના પાંચને મોત આવ્યું

Accidents : મધ્ય ગુજરાતમાં મોડી રાતે બે મોટા અકસ્માત સર્જાયા હતા. વડોદરામાં નેશનલ હાઈવે પર એક અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો બીજી તરફ, નડિયાદ પીજ ચોકડી બ્રીજ પાસે ટ્રક અને લાકડા ભરેલ ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આમ, કુલ 7 લોકોના મોતથી સોમવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. 

નેશનલ હાઈવે પર પાંચના મોત
વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યા છે. જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જઇ રહેલા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરમાં કાર પાછળથી અથડાઈ હતી. પાટીદાર પરિવાર સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.