શનિવારે પણ ચાલુ રહેશે શેરબજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ 2 માર્ચના રોજ કરશે સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન

નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE 2 માર્ચ શનિવારના રોજ વિશેષ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે. આ સેશનનું આયોજન કોઈપણ અણધારી આપત્તિના કિસ્સામાં NSEની સજ્જતા ચકાસવા માટે કરવામાં આવી રહ્યું છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE 2 માર્ચ શનિવારના રોજ વિશેષ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે. આ સેશનનું આયોજન કોઈપણ અણધારી આપત્તિના કિસ્સામાં NSEની સજ્જતા ચકાસવા માટે કરવામાં આવી રહ્યું છે.

સ્ટોક એક્સચેન્જ અને ડિપોઝિટરીઝ માટે બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન અને ડિઝાસ્ટર રિકવરી સાઈટ ફ્રેમવર્કના ભાગરૂપે NSEનું ખાસ લાઈવ ટ્રેડિંગ સત્ર યોજાશે. NSEએ પરિપત્રમાં જણાવ્યું હતું કે, એક્સચેન્જ શનિવાર 2 માર્ચ, 2024 ના રોજ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં એક ખાસ લાઇવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરશે જેમાં પ્રાથમિક સાઈટથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા-ડે સ્વિચ કરવામાં આવશે.

NSEના ખાસ લાઈવ ટ્રેડિંગ સેશનમાં પ્રાથમિક ઓફિશિયલ વેબસાઈટ પરથી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રા-ડે સ્વિચનો સમાવેશ થશે. શનિવારના ટ્રેડિંગ સત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે.

ટ્રેડિંગ સેશનનો પહેલો ભાગ 2 માર્ચે સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને સવારે 10 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, ટ્રેડિંગ NSEની પ્રાથમિક વેબસાઇટ દ્વારા કરવામાં આવશે. બીજું સત્ર NSEની ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી સવારે 11:30 વાગ્યાથી એક કલાક ચાલશે.

વિશેષ લાઈવ ટ્રેડિંગ દરમિયાન તમામ ભાવિ કોન્ટ્રાક્ટ્સ 5 ટકાની ઓપરેટિંગ રેન્જમાં વધઘટ થઈ શકે છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં સિક્યોરિટીઝની ઉપલી અને નીચલી બંને મર્યાદા માટે 5 ટકાનો પ્રાઈસ બેન્ડ હશે. સામાન્ય રીતે શેરબજાર દર અઠવાડિયે શનિવાર અને રવિવાર તેમજ રાષ્ટ્રીય રજાના દિવસે બંધ રહે છે.