બિહારમાં ટ્રેન અકસ્માત : બિહારમાં ભયાનક ટ્રેન અકસ્માત, ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 4ના મોત, 100 મુસાફરો ઘાયલ

બિહારમાં ટ્રેન અકસ્માત : બુધવારે મોડી રાત્રે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક દિલ્હી-કામખ્યા નોર્થઇસ્ટ એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ચાર મુસાફરોના મોત થયા હતા અને 100 ઘાયલ થયા હતા. આ અંગેની માહિતી રેલ્વે વિભાગને મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજુબાજુના વિસ્તારોના સેંકડો લોકો સ્થળ પર હાજર હતા. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બક્સરથી આવતી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 બોગી રઘુનાથપુરમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે વિભાગ દ્વારા ઘટનાસ્થળે ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને સેંકડો મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે.
પોલીસની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.રેલવે વિભાગની સાથે રેલ્વે મંત્રી પણ ઘટનાસ્થળે હાજર જોવા મળે છે. અકસ્માતના સ્થળે બંને ટ્રેક ઉપરાંત થાંભલા, વિદ્યુત થાંભલા અને સિગ્નલ પોસ્ટ્સને નુકસાન થયું હતું .અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેકની ખરાબ જાળવણી અથવા ટ્રેક ચેન્જિંગ પોઈન્ટમાં ખામીને કારણે પાટા પરથી ઉતરી ગયું હોવાનું જણાય છે.
અધિકારીઓએ બિહાર અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ ઉષા ભંડારી, 33, આકૃતિ ભંડારી, 8 અને અબુ જયંદ, 27 તરીકે કરી હતી. ઘાયલોની બક્સર, આરા અને પટનાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે અને પાટા પરથી ઉતરેલી બોગીઓને પાટા પર લાવવામાં આવી રહી છે.
નિષ્ણાત સમિતિએ પાટા પરથી ઉતરી જવાના ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે ત્રણ કોચને સૌથી વધુ નુકસાન થયું છે અને આ કોચમાંથી મૃત્યુ નોંધાયા છે. રેલ્વેએ મૃતકોના પરિવારજનોને વળતર સોંપી દીધું છે. ઘાયલોને પણ વળતર આપવામાં આવી રહ્યું છે.