
નમસ્કાર પ્રિય Examoneliner વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યાં છીએ. આજના આ લેખની અંદર આપણે વડોદરા જીલ્લા વિશેની કેટલીક રસપ્રદ માહિતી મેળવીશું. વડોદરા જિલ્લાનો ઇતિહાસ તેની ભૌગોલિક માહિતી તેમજ તેની પ્રસિદ્ધ જોવાલાયક જગ્યા વિશે પણ માહિતી મેળવીશું. કૃપા કરીને આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી.
વડોદરા જિલ્લાનો ઇતિહાસ
વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલું વડોદરાનું નામ ઋષિના વિશ્વામિત્રીના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. એક મત એ પણ છે કે ઈ.સ 812માં વડોદરાનો સૌ પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ વટપદ્ર નામથી થયો હતો. વડના ઝાડ પાસે વિકસેલા નગર પરથી વડોદરા નામ પડ્યું હોવાનું કહેવાય છે. ઐતિહાસિક કાળમાં વડોદરામાં રાષ્ટ્રકુટો, ચાલુક્ય, ગુપ્ત, સોલંકી, મુસ્લિમ, મુઘલ, મરાઠા જેવા શાસકોએ શાસન કર્યું હતું.

વિસલદેવે વડોદરામાં કડક નામક તળાવ બંધાવ્યું હતું. ઉપરાંત ડભોઇના કિલ્લામાં વૈધનાથ મહાદેવ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો. વિસલદેવે ડભોઇના કિલ્લાનું પણ સમારકામ કરાવ્યું હતું. ઇ.સ 1721માં ગાયકવાડ શાસક પીલાજીએ મુઘલો પાસેથી વડોદરાનો કબજો મેળવી મરાઠા શાસન સ્થાપ્યું. જેમાં મરાઠા પેશવાઓએ ગાયકવાળોને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક આપ્યો.ઈ.સ 1761માં પાણીપતના યુદ્ધમાં મરાઠા પેશવાઓની હાર થતાં વડોદરા ગાયકવાડ શાસન હેઠળ આવ્યું.
મહારાજા ખંડેરાવ બીજાએ મકરપુરા નજીક ધનીયાવી ખાતે તરુણો માટે વિશાળ પાર્ક બંધાવ્યો આવ્યો હતો. જેને ત્યારે સુંદરપુરાના અભયારણ્ય તરીકે ઓળખવામાં આવતો હતો. મહારાજા ખંડેરાવના મૃત્યુ બાદ તેમના વિધવા પત્ની જમનાબાઈને સંતાન ન હોવાના કારણે તેઓએ ગોપાળરાવને દત્તક લીધા હતા. જે સયાજીરાવ ત્રીજા તરીકે ઓળખાયા હતા અને ઇ.સ 1875માં ગાદી પર આવ્યા હતા.
ઇ.સ 1885માં સયાજીરાવ ગાયકવાડનો રાજ્યાભિષેક થયો હતો.ઇ.સ 1885 થી 1936 વચ્ચેનો સમય વડોદરાનો સુવર્ણકાળ ગણાય છે. તેમના સમય દરમિયાન ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓ, યુનિવર્સિટીઓ, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, પુસ્તકાલય, દારૂબંધી, રેલ્વેનો વિકાસ, બેંક ઓફ બરોડાની સ્થાપના વગેરે કાર્યો થયા હતા. એક ખેડૂત પરિવાર માટે સીધા જ રાજગાદી સુધી પહોંચનાર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ખરેખર પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી રાજ્યનો વહીવટ ચલાવ્યો હતો.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તકીઓ અને સંગીત વાદ્યના નિષ્ણાંત ગુરુઓ બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૈકી કુબેરનાથ વડોદરામાં સ્થાયી થયા, અને એમના થકી જ ગુજરાતમાં ભરતનાટ્યમનો ઉદય થયો. ગુજરાત પુસ્તકાલય સહકારી સંઘની સ્થાપના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સહયોગથી મોતીભાઈ અમીનએ કરી હતી.
મહારાજા સયાજીરાવ ત્રીજાએ ઇ.સ 1879માં સયાજી બાગ પ્રાણીસંગ્રહાલય બંધાવ્યું હતું જેને કમાટીબાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરાના સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે વિકસાવવાનો શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. મલ્હાર રાવ ગાયકવાડના સમયમાં પ્રથમ દીવાન તરીકે દાદાભાઈ નવરોજી નિમણૂક કરી હતી.
ઇ.સ 1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઇ હતી. સુપ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિ વર્માને ચિત્રો તૈયાર કરવા માટે આ કલાભવનમાં આમંત્રણ આપ્યું હતું. કભી નંદશંકર મહેતા ના પુત્રી અને જીવરાજ મહેતાના પત્ની એવા હંસાબેન મહેતા ઇ.સ 1946માં સયાજીરાવ યુનિવર્સિટીના પ્રથમ મહિલા ઉપકુલપતિ બન્યા હતા.
વડોદરાની ભૌગોલિક માહિતી
જિલ્લાનું મુખ્ય મથક વડોદરા છે. આ જિલ્લાની રચના 1 મે 1960નાં રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી.
વડોદરા શહેરને મહેલોના શહેરની ઉપમા મળેલી છે. ઉપરાંત ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર તરીકે પણ ઓળખાય છે. વડોદરામાં સાતપુડા પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા, પાવાગઢ પર્વત આવેલા છે.
વડોદરામાં આવેલ કીર્તિમંદિરમાં શાંતિનિકેતન વિદ્યાલય ના મહાન કલાકાર નંદલાલ બોઝે ગીતા વિષય પર તૈલ ચિત્ર બનાવ્યા છે. વડોદરા લીલા ચેવડા અને ભાખરવડી માટે જાણીતું છે. વડોદરામાં ભાઉ તાંબેડકર વાડાની દીવાલો પરના ભીંતચિત્ર, દંતેશ્વર ખાતે કુતુબુદ્દીન મહમદશાહનો મકબરો આવેલો છે.
વડોદરાની નદીઓ
1. વિશ્વામિત્રી 2. નર્મદા 3. ઓરસંગ 4. હિરણ 5. ગોમા 6. મેસરી 7. ભુખી 8. ભરાજ 9. ઢાઢર 10. મહી
નદી કિનારે વસેલા શહેરો
વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે ડભોઇ ઢાઢર નદીના કિનારે ચાંદોદ, કરનાળી, નારેશ્વર અને માલસર નર્મદા નદીના કિનારે વસેલા છે.
પ્રદેશની ઓળખ
નર્મદા નદી અને ઢાઢર નદી વચ્ચેના પ્રદેશને કાનમના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.બીજી ભાષામાં કહીએ તો ભરૂચ અને વડોદરા વચ્ચેનો પ્રદેશ એટલે કાનમ પ્રદેશ. નર્મદા નદી ભરૂચ અને વડોદરા તેમજ વડોદરા અને નર્મદા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે. મહી નદી આણંદ અને વડોદરા જિલ્લો વચ્ચે સરહદ બનાવે છે.
વડોદરાની આર્થિક માહિતી
પાક
વડોદરા જિલ્લામાં કપાસ, ડાંગર, મગફળી, જુવાર, ઘઉં, બાજરી વગેરે જેવા પાક થાય છે.
ખનીજ સંપત્તિ
વડોદરા જિલ્લામાંથી કેલ્સાઈટ અને ચૂનાના પથ્થર વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
વડોદરામાં ઉદ્યોગો
વર્ષ 1907માં વડોદરામાં એલેમ્બિકનું દવા બનાવવાનું કારખાનું ત્રિભુવનદાસ ગજ્જરના પ્રયાસોથી સ્થપાયું હતું. વર્ષ 1962માં રસાયણીક ખાતર બનાવવાનો એશિયાનો સહકારી ધોરણે ચાલતી સૌથી મોટું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) ની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1965માં કોયલીમાં ગુજરાતની સૌ પ્રથમ ખનીજતેલ શુદ્ધિકરણ રિફાઇનરી સ્થાપવામાં આવી હતી.
વર્ષ ૧૯૬૯માં ભારતમાં સૌપ્રથમ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (IPCL) ની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૫માં વાઘોડિયામાં GUJARAT CYCLES લિમિટેડનું સાયકલ બનાવવાનું કારખાનું સ્થપાયું હતું. વડોદરા જિલ્લામાં ગરમ કાપડ નો ઉદ્યોગ વિકસ્યો છે.
વડોદરાની વિકાસગાથા
ભારતનો સૌપ્રથમ 33 કિલોમીટર લાંબો નેરોગેજ રેલ્વે માર્ગ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા થી કરજણ તાલુકાના મિયા ગામ વચ્ચે વર્ષ 1962માં શરૂ થયો હતો. અહીં ચાલતી રેલગાડી સૌપ્રથમ બળદગાડા વડે ચાલતી હતી. વર્ષ 1886માં ગાયકવાડ રાજ્યમાં 200 રૂપિયા પગારવાળી અધ્યાપક તરીકે નોકરી સ્વીકારી હતી. મુંબઈમાં પ્લેગ સમય પ્રોફેસર ત્રિભુવનદાસ ગજ્જરે આયોડિન ટરકોલાઈડ નામની દવા શોધી હતી. જે ઘણી અસરકારક નીવડી અને લાખો લોકોના જીવ બચાવ્યા હતા.
વર્ષ 1887માં સ્થપાયેલ બરોડા મ્યુઝીયમ એન્ડ પિક્ચર ગેલેરી ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય છે. ગુજરાતમાં ત્રિભુવનદાસ ગજ્જર દ્વારા અવસર ઉત્પાદનની પ્રથમ ફેક્ટરી એલેમ્બિક ૧૯૦૭માં વડોદરા ખાતે સ્થપાઇ હતી. વર્ષ 1908માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા અલકાપુરી બજારમાં બેંક ઓફ બરોડા ની સ્થાપના કરવામાં આવી.
વર્ષ ૧૯૩૯માં પ્રતાપસિંહરાવ ગાયકવાડે સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ની શરૂઆત વડોદરામાં કરી હતી. ગુજરાતની સૌ પ્રથમ ખનીજતેલ રિફાઇનરી સ્થાપના કોયલી ખાતે વર્ષ 1965માં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં રશિયન સહકારથી થઈ હતી. જેની માલિકી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ધરાવે છે.
ગુજરાતમાં સૌ પ્રથમ ફિલ્મ સ્ટુડિયો વડોદરા જિલ્લાનો લક્ષ્મી સ્ટુડિયો હતો. ગુજરાતમાં સૌપ્રથમ હેવી વોટર પ્લાન્ટ ની સ્થાપના વડોદરા જિલ્લામાં થઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા શહેરમાં પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો. ભારતની સૌપ્રથમ રેલ યુનિવર્સિટી વડોદરા ખાતે વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી.
www.examoneliner.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. આ વેબસાઈટ ઉપર સરકારી ભરતીઓ, સરકારી યોજનાઓ, ટેકનોલોજી સબંધિત માહિતીઓ, હેલ્થ ટિપ્સ, દુનિયાભરના અવનવા ફેક્ટ્સ, ડીજીટલ ગુજરાત માહિતી વગેરે બાબતો મૂકવામાં આવે છે. આભાર